લોકકલ્યાણ હેતુ કેન્દ્ર સરકારની આ મહત્વકાંક્ષી યોજના શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય, 10 લાખ સુધીની મળશે સહાય
ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ પર લાગુ કરાઈ અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના
રાજ્યના ખેડા જીલ્લાથી શરુ કરાયો પાયલોટ પ્રોજેક્ટ
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ લોકકલ્યાણ યોજનો લાભ હવે ગુજરાત રાજ્યને પણ મળશે. હાલ ગુજરાતમાં કેન્દ્રની અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાને પાયલોટ પ્રોજેક્ટ ધોરણે શરુ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લામાં કામદારોને સુરક્ષા આપવા માટે આ યોજનાનો ઔપચારિક પ્રારંભ કર્યો હતો. આ સાથે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.
શું છે આ યોજના?
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ 289 અને 499 રૂપિયાના પ્રીમિયમમાં કામદારોને મૃત્યુ અથવા આંશિક અપંગતાના કિસ્સામાં સહાય મળશે. અકસ્માતમાં મજૂરનું મૃત્યુ થાય તો તેના વારસદારને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત અકસ્માતમાં કાયમી અપંગતાના કિસ્સામાં કામદારોને 10 લાખ રૂપિયાની રકમ ચૂકવવાપાત્ર રહેશે. કામદારોના મૃત્યુની સ્થિતિમાં તેમના બાળકોને 1 લાખ રૂપિયાની શિક્ષણ સહાય પણ આપવામાં આવશે.
ખેડા જિલ્લાથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો
ગુજરાતમાં આ યોજના હમણાં જ ખેડા જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ પર શરૂ કરવામાં આવી છે. જેમાં પોસ્ટ વિભાગ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અને શ્રમ અને રોજગાર મંત્રાલયના સહયોગથી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા કામદારો માટે ‘અંત્યોદય શ્રમિક સુરક્ષા’ અકસ્માત વીમા યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.